ટોપ સ્ટોરીઝ

નવસારીમાં જળપ્રલય જેવી સ્થિતિ: પૂર્ણા નદીનો 1968 બાદ સૌથી મોટો કહેર, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત

NDRF તથા SDRF ની ટીમો બચાવ કામગીરીમાં

રાજ્યભરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે દક્ષિણ ગુજરાતમાં વિકટ પરિસ્થિતિ સર્જી છે. નવસારી શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતૂર બનતાં વર્ષ 1968 પછી પ્રથમ વખત પૂર્ણા નદીએ આટલો ભયાનક કહેર વરસાવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

નવસારી શહેરના અંદાજે 30 ટકા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા શાંતાદેવી વિસ્તારમાં મોટી રહેણાંક ઇમારતોના પહેલા માળ સુધી પાણી પહોંચી ગયું છે. અનેક સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરવખરી બચાવવા માટે ધાબા અને ઉપરના માળે આશરો લેવા મજબૂર બન્યા છે.

પૂરની ગંભીર પરિસ્થિતિને કારણે નવસારી શહેરના આશરે 50 હજાર લોકો તથા ગ્રામ્ય વિસ્તારોના દોઢ લાખથી વધુ લોકો મળીને કુલ 2 લાખથી વધુ લોકો સીધા પ્રભાવિત થયા છે. જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો સતત કામગીરી કરી રહી છે. જરૂર પડ્યે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરની પણ તૈયારી રાખવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું છે.

રાજ્યભરમાં 1,201 રસ્તાઓ બંધ

ભારે વરસાદની અસર માત્ર નવસારી પૂરતી મર્યાદિત રહી નથી. સમગ્ર ગુજરાતમાં માર્ગ વાહનવ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. રાજ્યમાં કુલ 1,201 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં 26 સ્ટેટ હાઈવે, 1,109 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 7 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે.

જિલ્લાવાર જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 478 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 256 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે. ઉપરાંત વલસાડના 3 અને તાપી, ભરૂચ, છોટાઉદેપુર તથા નવસારીના 1-1 નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે.

યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા તેમજ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સતત વરસાદને કારણે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા તથા જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!