ટોપ સ્ટોરીઝ

₹2 કરોડની કેનાલમાં નબળી કામગીરીનો પર્દાફાશ: સ્થળ તપાસમાં હથોડી મારતા જ ઉખડ્યા પોપડા

મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ પાસેથી પસાર થતી અને અંદાજે ₹2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી “મહી સિંચાઈ માઈનોર કેનાલ”ના કામમાં ગંભીર ગેરરીતિઓ અને નબળી કામગીરીના આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો માટે જીવનદોરી સમાન ગણાતી આ કેનાલ હજુ સંપૂર્ણ રીતે ઉપયોગમાં પણ આવી નથી ત્યાં જ કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા સતત કરવામાં આવેલી રજૂઆતો અને ફરિયાદોને પગલે ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સ્થળ પર પહોંચી આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમણે સ્વહસ્તે હથોડી વડે કેનાલના ભાગો ચેક કરતા જ સિમેન્ટના પોપડા સરળતાથી ઉખડી પડતા નબળા મટીરીયલ અને હલકી ગુણવત્તાના કામની પોલ ખુલ્લી પડી ગઈ હતી.

માત્ર એટલું જ નહીં, અંદાજે ૪ કિલોમીટર લાંબી કેનાલમાં અનેક જગ્યાએ તિરાડો પડી જતાં ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. જો આવી સ્થિતિમાં પાણી છોડવામાં આવશે તો ભવિષ્યમાં કેનાલ તૂટી જવાની સાથે પાણીના ભારે વેડફાટની શક્યતા ઉભી થઈ શકે છે. ખેડૂતોનું માનવું છે કે વિકાસના નામે માત્ર કાગળ પર ગુણવત્તા બતાવી વાસ્તવમાં હલકી કામગીરી કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે મહી સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ હવે શંકાના ઘેરામાં આવી રહી છે. ધારાસભ્ય દ્વારા અધિકારીઓ સાથે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં યોગ્ય જવાબ ન મળતા સ્થાનિકોમાં મીલીભગત અંગેની ચર્ચાઓ વધુ તેજ બની છે.

ખેડૂતોમાં રોષ એ બાબતે પણ જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતી યોજનાઓ જો શરૂઆતમાં જ નબળી સાબિત થાય તો તેનો સીધો ભોગ સામાન્ય પ્રજાને અને ખેડૂતોને બનવું પડે છે. સિંચાઈ માટે બનેલી આ કેનાલ ભવિષ્યમાં ખેડૂતોના પાક માટે આશીર્વાદ બનવાની જગ્યાએ સમસ્યા ન બને તે માટે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નબળી ગુણવત્તાવાળું કામ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં અને જરૂરી બનશે તો સમગ્ર કામ નવેસરથી અને યોગ્ય ટેક્નિકલ ધોરણો મુજબ કરાવવામાં આવશે. સાથે જ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.

“પ્રજાના પરસેવાના પૈસાનો વેડફાટ અને વિકાસના નામે ભ્રષ્ટાચાર કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.” – અર્જુનસિંહ ચૌહાણ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!