ટોપ સ્ટોરીઝ

ગુનેગારોને કડક સંદેશ, ભૂમાફિયાઓ પર બુલડોઝર અને ઝીરો ટોલરન્સની ચેતવણી: હર્ષ સંઘવી

શીતલ ઠાકર,ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની કુલ ₹16,967 કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારો, આતંકીઓ અને ભૂમાફિયાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં દાદાગીરી અને ગુનાખોરી સહન નહીં થાય અને અસામાજિક તત્વો સામે સરકાર કડક કાર્યવાહી ચાલુ રાખશે.

ચર્ચાનો જવાબ આપતા સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મંત્ર સ્પષ્ટ છે – ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય. ગૃહ વિભાગ માટે ₹14,265 કરોડ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગ માટે ₹2,702 કરોડની જોગવાઈ સાથે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આતંકવાદ સામે કડક કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત ATS દ્વારા અલ-કાયદા અને ISKP જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલા 29 આતંકીઓને ઝડપવામાં આવ્યા છે. અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનાર આતંકીને પણ જીવતા ગ્રેનેડ સાથે ઝડપી લેવાયો હતો.

દીકરીઓની સુરક્ષા મુદ્દે તેમણે જણાવ્યું કે પોક્સો એક્ટ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 1,439 કેસોમાં સજા ફટકારાઈ છે. જેમાં 907 ગુનેગારોને આજીવન કેદ અને 14 નરાધમોને ફાંસીની સજા આપવામાં આવી છે.

રાજ્યમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણ સામે સરકારના ‘દાદાનું બુલડોઝર’ અભિયાન હેઠળ માત્ર છ જિલ્લાઓમાં 7,902 ગેરકાયદેસર સાઇટ્સ પર કાર્યવાહી કરીને 1,807 હેક્ટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹2,246 કરોડ થાય છે.

પોલીસ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લઈ 20,400થી વધુ નવા પોલીસ આવાસોને મંજૂરી આપી છે. જૂના 1-BHK મકાનોને બદલે હવે સુવિધાસભર 2-BHK આવાસો આપવામાં આવશે.

સંઘવીએ જણાવ્યું કે ‘BHARAT’ વિઝન અંતર્ગત સીમા સુરક્ષા, સાયબર સુરક્ષા અને ટેકનોલોજી આધારિત પોલીસિંગને વધુ આધુનિક બનાવી ગુજરાતને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!