બેરણા ગામે ઘઉંના ખેતરમાં આગ, ખેડૂતનો વીજ કંપની પર આક્ષેપ

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર તાલુકાના બેરણા ગામે ખેડૂતના ઘઉંના ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં અઢી વીઘામાં વાવેલ ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ બેરણા ગામે અચાનક ઘઉંના ખેતરમાં આગ ફાટી નીકળતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા ખેડૂત અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘઉંનો મોટો ભાગ બળી ગયો હતો.

ખેડૂતના જણાવ્યા મુજબ વીજ કંપનીની બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વીજ લાઇનમાંથી નીકળેલી ચીંગારીના કારણે સુકાયેલા પાકમાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનામાં અઢી વીઘામાં વાવેતર કરાયેલ ઘઉં બળીને નષ્ટ થતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ઘટનાની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની તેમજ ખેડૂતને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી છે.




