હિંમતનગરના નવલપુર પાસે SOGની મોટી કાર્યવાહી, અફીણ અને પોશડોડા સાથે ૧૭ લાખનો મુદ્દામાલ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લામાં SOG અને નાર્કોટિક્સ સેલે સંયુક્ત કાર્યવાહી કરતા હિંમતનગર તાલુકાના નવલપુર નજીકથી આઈશર ગાડીમાંથી અફીણ અને પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.

હિંમતનગર તાલુકાના નવલપુર ગામ નજીક સાબરકાંઠા SOG અને નાર્કોટિક્સ સેલની ટીમે બાતમીના આધારે શામળાજી-હિંમતનગર હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન પસાર થતી એક આઈશર ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાંથી ૪૩ કિલોથી વધુ પોશડોડાનો પાઉડર અને ૧૧૦ ગ્રામ અફીણ મળી આવ્યું હતું. પોલીસે પોશડોડાનો પાઉડર, અફીણ, મોબાઇલ ફોન અને આઈશર ગાડી મળી કુલ રૂ.૧૭.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આ મામલે પોલીસે ગાડીના ચાલક સતરારામ કાનાજી ચૌધરીની ધરપકડ કરી છે. જ્યારે પાંચારામ ઉર્ફે પારસ કેશારામ ચૌધરી અને હિરાલાલ નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાંથી માદક પદાર્થ ખરીદી અમદાવાદમાં સપ્લાય કરતા હતા. સમગ્ર મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




