હિમતનગર

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન પદને લઈને વિવાદ ઘેરો બન્યો

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલને પદ પરથી દૂર કરવાની માંગને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા આ વિવાદ વચ્ચે સોમવારે (૧૨ ઓક્ટોબરે) બેંકની ખાસ બોર્ડ બેઠક મળી હતી. બેઠક બાદ બેંકના ડિરેક્ટર સતીશ પટેલે પોતાની માંગણીઓ સ્વીકારાઈ હોવાનો દાવો કરતા નવો વળાંક આવ્યો છે, જોકે બેંક સત્તાધીશોએ આ અંગે મૌન સેવ્યું છે.

ચેરમેનને હટાવવાની માંગ સહિતની કુલ સાત માંગણીઓને લઈને અગાઉ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે ૧૨ ઓક્ટોબરે યોજાયેલી બોર્ડ બેઠક પૂર્ણ થયા બાદ ડિરેક્ટર સતીશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા તેમની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જોકે સમગ્ર મામલો કાયદાકીય પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાનું જણાવી તેમણે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. આ બેઠક બાદ બેંકમાં આગામી સમયમાં કેવા નિર્ણયો લેવાશે તે અંગે સહકારી બે વર્તુળોમાં ભારે ઉત્સુકતા પ્રવાહ વહી રહ્યો છે.

મંડળી પ્રમુખ રવિ પટેલના આક્ષેપો અને રાજીનામાની માંગ

બીજી બાજુ, સંયુક્ત સહકારી મંડળીઓના પ્રમુખ રવિ પટેલે આ સમગ્ર પ્રકરણે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, સાબરકાંઠા અને અરવલ્લી પંથકની આ અગ્રગણ્ય સંસ્થા સીધી ખેડૂતો સાથે જોડાયેલી છે અને ₹૫,૦૦૦ કરોડથી વધુનું મસમોટું ટર્નઓવર ધરાવે છે. આવી સંવેદનશીલ સંસ્થામાં ગેરરીતિ અને બેંકના રેકોર્ડ સાથે ચેડાં થયાના ગંભીર આક્ષેપો સામે નૈતિક જવાબદારી સ્વીકારીને ચેરમેન હંસાબેન પટેલે સ્વેચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ. સાથે જ તેમણે ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી કાયદાકીય માર્ગેથી સત્ય બહાર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

સત્તાધીશોનું રહસ્યમય મૌન

એક તરફ ડિરેક્ટર દ્વારા માંગણીઓ સંતોષાયાનો દાવો થઈ રહ્યો છે અને બીજી તરફ મંડળી પ્રમુખ દ્વારા રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી છે, ત્યારે આ સમગ્ર વિવાદમાં બેંકના સત્તાધીશો કે ચેરમેન હંસાબેન પટેલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી. સહકારી બેંકના વહીવટ અને ચેરમેન પદના ભવિષ્યને લઈને આગામી દિવસોમાં કયા નવા ધડાકા થાય છે અથવા તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે, તેના પર સમગ્ર સહકારી જગતની મીટ માંડયેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!