હિમતનગર

ઝેરી નકલી દૂધ કૌભાંડ મામલે ભારતીય કિસાન સંઘની કડક માંગ

કલેક્ટરને આવેદનપત્ર આપી પાયારૂપ તપાસ અને કઠોર સજાની માંગ, નહીં તો આંદોલનની ચીમકી

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક તાજેતરમાં સામે આવેલા ઝેરી અને ડુપ્લિકેટ દૂધ કૌભાંડ મામલે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પાયારૂપ અને વ્યાપક તપાસ કરી તમામ સંડોવાયેલા આરોપીઓને કઠોર સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સલાલ નજીક “સત્યા ડેરી પ્રોડક્ટ્સ” ના નામે યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્મેટિક સોડા અને પામ ઓઇલના મિશ્રણથી આશરે ૨ હજાર લીટર જેટલું ઝેરી નકલી દૂધ સીલબંધ પેકિંગમાં વેચાતું હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસે ફેક્ટરી પર રેડ કરી હતી. રેડ દરમિયાન એક બાળ મજૂર સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત ઘટના બાદ અંદાજે ૨૦ દિવસ પછી મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા સબ જેલમાં મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. તેમ છતાં ભારતીય કિસાન સંઘનું માનવું છે કે માત્ર ધરપકડ પૂરતી કાર્યવાહી નથી, પરંતુ આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું, કયા સ્થળે ઉત્પાદન થતું હતું, કોના સંરક્ષણ હેઠળ ચાલતું હતું અને કેટલા વિસ્તારોમાં વેચાણ કરવામાં આવ્યું હતું તેની સખત અને પાયારૂપ તપાસ થવી જરૂરી છે.

ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા ઝેરી દૂધના કૌભાંડથી સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર છેડછાડ થઈ રહી છે. આથી સમગ્ર ચક્રવ્યુહ બહાર લાવી જવાબદાર તત્વોને ઉદાહરણરૂપ સજા કરવામાં આવે. જો યોગ્ય અને પારદર્શક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!