“માતા-પિતા જ ઘરનું મંદિર અને દેશનો રાજા સુખી તો પ્રજા સુખી” – ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત ડૉ. આચાર્ય સંજય મુની

શીતલ ઠાકર,ગાંધીનગર
ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત ડૉ. આચાર્ય સંજય મુની દેવર્ષભાઈ નારાયણભાઈ પટેલના આગ્રહથી બે દિવસીય ધાર્મિક પ્રવાસે હિંમતનગર પધાર્યા હતા. આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મપ્રેમીઓ સાથે વિચારવિમર્શ, સત્સંગ તેમજ નજીકના જૈન દેરાસરની મુલાકાતનો સમાવેશ થયો હતો.આચાર્યશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, મનુષ્યને આત્મકલ્યાણ માટે કોઈ વિશેષ સ્થાન કે પરિસ્થિતિની જરૂર નથી. પોતાના ઘર ને જ મંદિર સમજીને માતા-પિતાની સેવા કરવી એ સર્વોત્તમ તીર્થ સમાન છે. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અંગે પણ માર્ગદર્શન આપતા જણાવ્યું કે વિશ્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા હોવા છતાં ભારત સુરક્ષિત છે. દેશનું નેતૃત્વ મજબૂત અને દૃઢ હોવાથી પ્રજાને ચિંતિત થવાની જરૂર નથી.આ આયોજનના યજમાન જીવદયા પ્રેમી મુરબ્બી ડાહ્યાભાઈ રાયચંદભાઈ પટેલ (આકોદરા) દ્વારા અબોલ જીવોના કલ્યાણ માટે કરવામાં આવતા સેવાકીય કાર્યની આચાર્યશ્રીએ પ્રશંસા કરી અને સમગ્ર પરિવારને આશીર્વાદ પાઠવ્યા.કાર્યક્રમ દરમિયાન સત્સંગીઓ માટે તિલક, પ્રભાવના અને મહામાંગલિક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઇન્ટરનેશનલ કલાકાર મહાવીરકુમાર દેસાઈ દ્વારા ભજન-કીર્તન અને નિદિધ્યાસન દ્વારા ઉપસ્થિત સૌને આધ્યાત્મિક અનુભૂતિ કરાવવામાં આવી હતી.આ કાર્યક્રમના સફળ આયોજન બદલ દેવર્ષભાઈ નારાયણભાઈ પટેલ પરિવાર તથા ઉપસ્થિત સૌએ આચાર્યશ્રી પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.




