ભગવાનના દરબારમાં પણ તસ્કરો બેફામ, તખતગઢના રામદેવપીર મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આવેલ રામદેવપીરના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કરતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરો મંદિરનું છત્તર અને દાનપેટી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધાર્મિક સ્થળને નિશાન બનાવી તસ્કરો દ્વારા કરવામાં આવેલી ચોરીને લઈને ગામમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ તખતગઢ ગામમાં ચોરીની ઘટના સામે આવી હતી. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે ગામલોકોમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોએ રાત્રિ દરમિયાન કડક પોલીસ પેટ્રોલિંગ, શંકાસ્પદ તત્વો પર નજર અને ગામમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે.
ધાર્મિક સ્થળોમાં ચોરીની ઘટનાઓ વધતા હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે તસ્કરોમાં કાયદાનો ડર રહ્યો છે કે નહીં? અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે તંત્ર ક્યારે સક્રિય બનશે?





