હિંમતનગરના સર્વાંગી વિકાસ માટે ધારાસભ્ય વી.ડી. ઝાલાની સ્થળ મુલાકાત, વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા

હિંમતનગર શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શહેરના વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મોતીપુરા સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપન અને સર્કલના બ્યુટિફિકેશન અંગે નકશા મુજબની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં નિર્માણાધીન જાહેર પાર્કિંગ સુવિધાની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. સાથે કેનાલ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી તેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા, કોમ્યુનિટી હોલ તેમજ કેનાલ ફ્રન્ટના સૌંદર્યીકરણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બાયપાસ રોડ પર નિર્માણાધીન સાબરકાંઠા જિલ્લાના આધુનિક ફાયર સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ ફાયર સ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને આઇકોનિક બનાવવા માટે રસ્તાઓ, ગટર લાઇન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓના વિકાસ અંગે અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




