હિમતનગર

ગાંભોઈ પોલીસે નરોડા સીમમાંથી કાર મૂકી ભાગેલા તસ્કરની વોક્સવેગનમાંથી રૂ. ૩.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વિદેશી દારૂની ૨૧૮ બોટલ અને કાર સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરાઈ

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે મોટી સફળતા મેળવી છે. ભિલોડા-મઉ તરફથી આવતી શંકાસ્પદ વોક્સવેગન વેન્ટો કારનો પીછો કરી પોલીસે રૂ. ૬૪,૩૬૬/- ની કિંમતની વિદેશી દારૂ તથા બીયરની ૨૧૮ બોટલો અને રૂ. ૩ લાખની કાર મળી કુલ રૂ. ૩,૬૪,૩૬૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા વિભાગીય પોલીસ અધિકારી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ ગાંભોઈ પી.આઈ. એ.આર. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રોહિબિશન પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. મહીપાલસિંહ ચંદુસિંહ અને આ.પો.કો. સુરેશકુમાર અંબાલાલને ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે, ભિલોડા તરફથી એક ઈસમ વોક્સવેગન વેન્ટો કાર (નંબર: GJ-01-KR-2282) માં વિદેશી દારૂનો જથ્થો ભરી હિંમતનગર તરફ જઈ રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે નોખી-નરોડા ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ કારચાલકે ગાડી પૂરઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તુરંત જ કારનો પીછો કર્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતાં કારચાલક નરોડા ગામની સીમમાં આવેલ કાચા રસ્તા પર કાર મૂકી અંધારામાં નાસી છૂટ્યો હતો.

પોલીસે બિનવારસી હાલતમાં પડેલી કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી કુલ ૨૧૮ નંગ (કિંમત રૂ. ૬૪,૩૬૬/-) મળી આવ્યા હતા. ગાંભોઈ પોલીસે દારૂ અને વોક્સવેગન કાર કબ્જે કરી ગુનો (સી.પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૪૨૬૦૬૭૮/૨૦૨૬) નોંધી નાસી છૂટેલા કારચાલકની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે.

રેડ કરનાર ટીમ:

એ.એસ.આઈ. કાળુભાઈ દેવાભાઈ (બ.નં. ૯૪૫), આ.પો.કો. સુરેશકુમાર અંબાલાલ (બ.નં. ૧૦૨૩), અ.પો.કો. મહીપાલસિંહ ચંદુસિંહ (બ.નં. ૯૪૧) તથા આ.પો.કો. સજ્જનસિંહ ચંપકસિંહ (બ.નં. ૧૧૨૪).

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!