હિંમતનગર પાલિકાની ર૭ ફેબ્રુઆરીએ હાથરોલ પાસેના રીસોર્ટમાં બજેટ બેઠક યોજાશે.

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓની મુદત પૂર્ણ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શક્યતઃ ચૂંટાયેલા પદાધિકારીઓની હાજરીમાં યોજાનાર પાલિકાની સામાન્ય સભા છેલ્લી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે આગામી તા.ર૭ ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની બજેટ બેઠક હિંમતનગરના હાથરોલ પાસે આવેલ એક રીસોર્ટમાં રાખવાનું નક્કી કરીને ચીફ ઓફિસરે પાલિકાના ચૂંટાયેલા સદસ્યોને એજન્ડા મોકલી દીધો છે ત્યારે હિંમતનગરમાં રહેતા તથા નગરપાલિકાને ટેક્ષ ચૂકવતા મિલકત ધારકોમાં એવી ચર્ચા ઉભી થઈ છે કે હિંમતનગરથી દુર આવેલ ખાનગી રીસોર્ટનું ભાડું ચૂકવીને પાલિકાના સત્તાધીશો પ્રજાના ટેક્ષના નાણાંનો દુરપયોગ કરતાં હોવાની ચર્ચા શરૂ થઈ છે.
આ અંગે પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર નગરપાલિકાની તા. ર૭ ફેબ્રુઆરીએ યોજાનાર ખાસ સામાન્ય સભા હાથરોલની સીમમાં આવેલ એક આલીશાન ખાનગી રીસોર્ટમાં યોજાશે. જેમાં સૌ પ્રથમ ગત મિટીંગની કાર્યનોંધ વંચાણે લઈ બહાલી અપાશે.તથા ગત મિટીંગની કાર્યનોંધ પર લીધેલા પગલા અંગે બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓને જાણ કરવામાં આવશે. ત્યારબાદ પાલિકાનું વર્ષ ર૦રપ પુરવણી બજેટ તથા વર્ષ ર૦ર૬-ર૭ નું આવક અને જાવકનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરાયા બાદ કોર્પોરેટરોની ઉપસ્થિતીમાં ચર્ચા કરાયા બાદ તેને મંજૂર કરવામાં આવશે.




