હિંમતનગરમાં વર્ક પરમિટ-વિઝા કૌભાંડ: આરોપી પ્રિતી વ્યાસની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
હિંમતનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી તેજ: રૂ. 3.75 કરોડની છેતરપિંડીનો મામલો

કેનેડા અને અમેરિકાના વર્ક પરમિટ તથા વિઝા અપાવવાની લાલચ આપી નિર્દોષ લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના ચર્ચિત કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસની મુખ્ય આરોપીઓ પૈકીની એક પ્રિતી વ્યાસ દ્વારા ધરપકડથી બચવા માટે કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના આ આદેશ બાદ હિંમતનગર પોલીસે આરોપીની અટકાયત માટે ચક્ર ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરમાં રહેતા એક દંપતિ સામે કેનેડા અને અમેરિકાના વિઝા તથા વર્ક પરમિટ અપાવવાના બહાને આશરે 26 જેટલા લોકો સાથે રૂ. 3.75 કરોડની મસમોટી છેતરપીંડી કર્યાની હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહીથી બચવા માટે સંડોવાયેલી પ્રિતી વ્યાસે કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જોકે, કેસની ગંભીરતા, રજૂ થયેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ના મંજૂર કરી હતી.
કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરાતાં જ હિંમતનગર પોલીસે આરોપી પ્રિતી વ્યાસની ધરપકડ માટે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. પોલીસે આ કૌભાંડમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, જેમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો અને અન્ય સંડોવાયેલા શખ્સોના નામો સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે.




