હિંમતનગરમાં ભાડા વિધેયકનો વિરોધ યથાવત બાર એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન દ્વારા હિંમતનગરમાં શુક્રવારે ભાડા વિધેયકનો વિરોધ કર્યો હતો ત્યારબાદ વકીલોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વિધેયક રદ કરવા અને ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરી હતી.
સરકારે ભાડા વિધેયક-૨૦૨૬ના અમલ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં વિધેયક ભાડા અને કબજાના કેસો રેવન્યુ અદાલતને સોંપે છે. વકીલો આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે પહેલા આવા કેસો સિવિલ કોર્ટમાં ચાલતા હતા. તેમને દિવાની અદાલતોની સત્તા ઘટવાનો ડર છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ૩ ઓક્ટોબર, ૨૦૨૬થી અચોક્કસ મુદતની હડતાળ પર રહેવા જણાવાયું છે. તેના પગલે સાબરકાંઠાના વકીલો પણ કામગીરીથી દૂર રહ્યા છે. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર વી. શર્મા, ઉપપ્રમુખ દિલપેશ પટેલ અને સચિવ હિરવ જે. જયસ્વાલ સહિતના હોદ્દેદારોએ રજૂઆત કરી માંગણી કરી હતી કે સત્વરે ભાડા વિધેયકને રદ કરવું જોઈએ, અથવા તો જરૂરી સુધારા કરવા જોઈએ.





