ખેડબ્રહ્માની પ્રાયોજના વહીવટદાર કચેરીમાં આઉટસોર્સ કલાર્કે રૂ. ૧૧.૫૮ લાખની ઉચાપત કરી: પોલીસ ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલી પ્રાયોજના વહીવટદાર કચેરીમાં આઉટસોર્સિંગથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારી સામે રૂ. ૧૧.૫૮ લાખથી વધુની સરકારી રકમની ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ગુરુવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્થિત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લોન આપવામાં આવી હતી. ખેડબ્રહ્મા કચેરી ખાતે આઉટસોર્સ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને વિજયનગર તાલુકાના સરદારનગરના રહીશ જગદીશ મણીલાલ બરંડાને આ લાભાર્થીઓ પાસેથી લોનની વસૂલાત કરવાની જવાબદારી સોંપાઈ હતી.
જગદીશ બરંડાએ વિવિધ લાભાર્થીઓ પાસેથી રૂ. ૧૧,૫૮,૬૬૦ની વસૂલાત કરી હતી. નિયમ મુજબ આ રકમ બેંક મારફતે આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ખાતામાં જમા કરાવવાની હતી. જોકે, તેણે આ રકમ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી.
આ બાબતે ઉચાપત અને વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવતાં, ગાંધીનગર ખાતે રહેતા હાર્દિક નરસિંહભાઈ રોહિતે ગુરુવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જગદીશ બરંડા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




