ઉંબોરા ગામે આંગણવાડી તથા શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિ રહી

ખેડબ્રહ્મા,
ખેડબ્રહ્મા તાલુકાના ઉંબોરા ગામે આંગણવાડી તથા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામજનો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ આઇસીડીએસ વિભાગના સીડીપીઓ અને સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આંગણવાડીના નાનાં બાળકોના પ્રવેશોત્સવથી કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ પોતાના હસ્તે બાળકોને પ્રવેશ અપાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે આંગણવાડીના બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં યુનિફોર્મ, ચિત્રપોથી, કલર, કલે અને સ્લેટ જેવી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાળકોમાં નવી શૈક્ષણિક સામગ્રી મેળવતા ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ત્યારબાદ પ્રાથમિક શાળાના નવા વિદ્યાર્થીઓને વિધિવત રીતે પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
તેમણે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ, કન્યા કેળવણી અભિયાન અને શાળા પ્રવેશોત્સવના હેતુ અંગે પણ માહિતી આપી હતી. સાથે જ વાલીઓને બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહી નિયમિત રીતે શાળાએ મોકલવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને ગ્રામજનોએ બાળકોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આઇસીડીએસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલનથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમે ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે બાળકોના શૈક્ષણિક જીવનના નવા પ્રારંભને યાદગાર બનાવ્યો હતો.



