સજા વોરન્ટમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઇડર પોલીસે ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશનની ટીમે સજા વોરન્ટના કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના સૂચન અનુસાર સજા વોરન્ટના આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સજા વોરન્ટનો આરોપી પ્રહલાદજી મગનજી વણજારા હાલ ઇડરના મોહનપુરા ફાટક નજીક હાજર છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઇડરના મોહનપુરા ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ પાસે દરોડો પાડી આરોપી **પ્રહલાદજી મગનજી વણજારા (રહે. બડોલી, તાલુકો ઇડર, જિલ્લો સાબરકાંઠા)**ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ઇડર કોર્ટ દ્વારા ફોજદારી કેસ નં. 3731/2023માં સજા વોરન્ટ જારી કરવામાં આવ્યો હતો અને તે લાંબા સમયથી ફરાર હતો.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. કુપાવત તથા ઇડર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.




