પોશીનાના દંત્રાલમાં ચેકડેમના કામની આડમાં ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ; ગ્રામજનોએ ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંત્રાલ ગામ નજીક આવેલી નદીના ઉપરવાસ વિસ્તારમાં ચેકડેમના સાઇડ સશક્તિકરણના કામની આડમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન અને વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો સાથે સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ અને ખનન માફિયાઓ વચ્ચે સંભવિત મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે.
રાત્રિના અંધકારમાં ટ્રકો મારફતે રેતીની હેરાફેરી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ બેફામ રીતે ચાલી રહી છે. દરરોજ રાત્રે અંદાજે 40 થી 45 જેટલી ટ્રકોમાં રેતી ભરી અન્ય વિસ્તારોમાં લઈ જઈ વેચાણ કરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આ પ્રવૃત્તિના કારણે સરકારને લાખો રૂપિયાની રોયલ્ટી અને આવકનું નુકસાન થઈ રહ્યું હોવાનું તેમજ નદીના કુદરતી પર્યાવરણને ગંભીર અસર પહોંચી હોવાનું પણ જણાવાયું છે.
અધિકારીઓ અને ખનન સંકળાયેલા એસ.પી. ( S.P.) નામક શખ્સની સાંઠગાંઠના આક્ષેપ
ગ્રામજનોના જણાવ્યા મુજબ સમગ્ર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ખાણ-ખનિજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ખનન સંકળાયેલા એસ.પી. ( S.P.) નામક શખ્સની સંભવિત સાંઠગાંઠથી ચાલી રહી છે. આટલી મોટી માત્રામાં રાત્રિના સમયે રેતીનું પરિવહન થતું હોવા છતાં સંબંધિત વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ગરીબો સામે કડક કાર્યવાહી, માફિયાઓ સામે મૌન?
સ્થાનિક આદિવાસી પરિવારોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે કોઈ ગરીબ વ્યક્તિ ઓછી માત્રામાં રેતીનું પરિવહન કરે તો તંત્ર તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરે છે, પરંતુ મોટા પાયે ટ્રકો મારફતે થતા ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે તમામ માટે સમાન અને પારદર્શક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉચ્ચસ્તરીય તપાસની માંગ, આંદોલનની ચીમકી
ગ્રામજનોએ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદેસર ખનન બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
આ મામલે હવે સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓની નજર મંડાઈ છે.
સાબર રીપોર્ટર ન્યૂઝપેપર
સમાચાર કોઈપણ કિંમત પર
તંત્રી : બાદશાહ પઠાણ
મો. 9898693985




