સાબરકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી: કપાસના વાવેતરની આડમાં ઉગાડેલ રૂ. ૧.૭૨ કરોડનો ગાંજો ઝડપાયો, ૯૬૭ છોડ જપ્ત

સાબરકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ અટકાવવા ચલાવવામાં આવી રહેલા “SAY NO TO DRUGS” અને “ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા” મિશન અંતર્ગત સ્થાનિક ગુના શાખા (LCB)ને બહુ મોટી સફળતા મળી છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિરેન્દ્રસિંઘ યાદવ (IPS) અને સાબરકાંઠા પોલીસ અધીક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS)ની સૂચના અનુસાર LCB પોલીસે પોશીના તાલુકાના કોટડા ગઢી ગામે દરોડો પાડી કપાસના પાકની આડમાં કરાતું ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે.
કપાસના ખેતરમાંથી ૩૪૫.૬૦૦ કિગ્રા ગાંજો મળ્યો
LCBના પી.આઈ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.જે. ચાવડા, પી.એસ.આઈ. આર.કે. જોષી તથા એલસીબી સ્ટાફના માણસો પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આ.હે.કો. દેવરાજ અને આ.પો.કો. નીલેષકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, કોટડા ગઢી ગામે મગરા ફળામાં રહેતા જગા રામા ગમાર અને તેમના પરિવારના સભ્યો ખેતરમાં ગાંજાનું વાવેતર કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં કપાસના વાવેતરની આડમાં છુપાવેલા ગાંજાના કુલ ૯૬૭ છોડ (કુલ વજન ૩૪૫.૬૦૦ કિલોગ્રામ, અંદાજિત કિંમત રૂ. ૧,૭૨,૮૦,૦૦૦/-) મળી આવ્યા હતા, જે તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
એકની ધરપકડ, બે આરોપીઓ ફરાર
પોલીસે આ મામલે ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે ધી એન.ડી.પી.એસ. એક્ટ, ૧૯૮૫ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
પકડાયેલ આરોપી: રાયચંદભાઈ રામાભાઈ ગમાર (ઉં.વ. ૨૫, રહે. કોટડા ગઢી, મગરા ફળો, તા. પોશીના)
-
પકડવાના બાકી આરોપીઓ: (૧) જગા રામા ગમાર અને (૨) રમાભાઈ પુનાભાઈ ગમાર (બંને રહે. કોટડા ગઢી, મગરા ફળો, તા. પોશીના)
રાજસ્થાન સરહદી અને અંતરિયાળ પહાડી વિસ્તારમાં માનવીય અને ભૌગોલિક પડકારો વચ્ચે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના આધારે સાબરકાંઠા LCB ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે.





