ખેડબ્રહ્મા અને વડાલીમાંથી પશુ ચોરી કરનાર ચાર પકડાયા મટોડાના તળાવ પાસેથી પશુ ચોરોને ઝડપી લેવાયા, રૂ.૨.૯૦ લાખની પાંચ ભેંસો કબ્જે લેવાઈ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા કેટલાક સમયથી પશુ ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. પશુ માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ખેડબ્રહ્મા પોલીસે સોમવારે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ચાર પશુ ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.૨.૯૦ લાખ કિંમતની પાંચ ભેંસો કબ્જે લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડબ્રહ્મા પીઆઈ ડી.વી. હડાત તથા તેમની ટીમને બાતમી મળી હતી કે મટોડા ગામના તળાવની પાળ પાસે કેટલાક શંકાસ્પદ ઈસમો ભેંસો સાથે રોકાયા છે. જેના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કોર્ડન ગોઠવી ચારેય શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા ચારેય આરોપીઓએ કબૂલાત કરી હતી કે પાંચ પૈકી ત્રણ ભેંસો ખેડબ્રહ્માના ચીખલી ગામની સીમમાં આવેલા તબેલામાંથી ચોરી કરી હતી. જ્યારે અન્ય બે ભેંસો છ દિવસ અગાઉ વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા તબેલામાંથી ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું હતું.
ખેડબ્રહ્મા પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી હતી અને કબ્જે કરાયેલ પાંચેય ભેંસોને સારસંભાળ માટે ખેડબ્રહ્માની પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પશુ ચોરી અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે :
– અર્જુન ઉદાભાઈ ગમાર
– ભમરૂ ઉર્ફે પીપલો ઉર્ફે પોપટ લક્ષ્મણ કસોટીયા
– શંકર બકાભાઈ પરમાર
(ત્રણેય રહે. ભિયાંટા, તા. કોટડાછાવણી)
– ભામલારામ ઉર્ફે ભેમો મોડીયારામ પારઘી
(રહે. પુનાવલી, તા. કોટડાછાવણી)




