પોશીનાના ટાઢીવેડી ગામે પત્ની રિસાઈને પિયર જતાં યુવકે ઝાડ સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ટાઢીવેડી ગામે એક દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં પત્ની રિસાઈને પિયર ચાલી જતાં મનમાં ઓછું લાવીને ૨૩ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
મળતી વિગતો અનુસાર, ટાઢીવેડી ગામે રહેતા અને ખેતીકામ કરતા વિવેકભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૨૩) ની પત્ની આશરે દસેક દિવસ પહેલાં કોઈ બાબતે રિસાઈને પોતાના પિયર જતી રહી હતી. પત્ની પિયર જતી રહેતાં વિવેકભાઈ મનમાં ખૂબ જ દુઃખી રહેતા હતા. આ મનદુઃખના કારણે તેમણે ગામની સીમમાં આવેલ કસુંબડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના અંગે મૃતકના ભાઈ જયંતિભાઈ લક્ષ્મણભાઈ સોલંકીએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ખેરોજ પોલીસ સ્ટેશનના અ.હે.કો. સંજયકુમાર રૂપાજી અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત (અ.મોત નં. ૧૪/૨૦૨૬, બી.એન.એસ.એસ. કલમ-૧૯૪) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





