ખેડબ્રહ્મા પોલીસે ગુમ થયેલો મોબાઈલ પરત સોંપી ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્ર સાર્થક કર્યું

અંબાજી ભાદરવી પૂનમના મેળાનિર્માણ પ્રસંગે ચાલતા પદયાત્રી બંદોબસ્ત દરમિયાન ખેડબ્રહ્મા પોલીસે એક પદયાત્રીનો ગુમ થયેલો મોંઘો મોબાઈલ શોધી મૂળ માલિકને પરત સોંપીને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), વિભાગીય પોલીસ અધિકારી શ્રી ડૉ. કુલદીપકુમાર નાયી અને ખેડબ્રહ્માના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.વી. હડાતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પદયાત્રીઓના બંદોબસ્તમાં તૈનાત હતી.
તારીખ ૨૦/૦૯/૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧:૦૦ વાગ્યાના સુમારે, ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ આગળ ટ્રાફિક નિયામનની ફરજ પર હાજર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ શામળભાઈ (બકુલ નં. ૧૦૭) તથા TRB જવાન હેમાંગભાઈ યશવંતભાઈને રોડ પર ભીડમાં એક બિનવારસી ‘REALME NARZO’ નો મોબાઈલ મળી આવ્યો હતો. નજીકમાં ઉપસ્થિત પદયાત્રીઓને પૂછપરછ કરવા છતાં કોઈ દાવો કરવા આગળ આવ્યું ન હતું.
ત્યારબાદ પોલીસે ટેકનિકલ રીતે તપાસ હાથ ધરી મોબાઈલ માલિકની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મોબાઈલ અંબાજી દર્શન માટે જતા પદયાત્રી સોલંકી દીપકભાઈ બદાજી (રહે. બહેડીયા, તા. ખેડબ્રહ્મા)નો હતો. દીપકભાઈ સવારે પોતાના ગામથી ચાલતા અંબાજી જઈ રહ્યા હતા ત્યારે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીક ભીડમાં તેમનો આશરે રૂ. ૫,૦૦૦/- ની કિંમતનો મોબાઈલ પડી ગયો હતો.
પોલીસે મૂળ માલિક દીપકભાઈને પોલીસ સ્ટેશને બોલાવી ખાતરી કર્યા બાદ યોગ્ય ઓળખ મેળવીને તેમનો મોબાઈલ સુપ્રત કર્યો હતો. અચાનક ગુમ થયેલો મોબાઈલ પરત મળતાં પદયાત્રીએ ખેડબ્રહ્મા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.




