પોશીના પોલીસે ₹૧.૬૧ લાખના મુદ્દામાલ સાથે ૨.૫ કિલો ગાંજો ઝડપી પાડ્યો: એક આરોપીની ધરપકડ

સાબરકાંઠા જિલ્લામાં યુવાધનને નશાની લતમાંથી બચાવવા અને ડ્રગ્સ મુક્ત જિલ્લાના સંકલ્પ સાથે ચલાવવામાં આવી રહેલા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત પોશીના પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન સરહદ તરફથી મોટરસાયકલ પર સ્કૂલબેગમાં માદક પદાર્થ ગાંજો લઈને આવતા એક ઈસમને પોલીસે રૂ. ૧,૬૧,૯૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ અને ખેડબ્રહ્મા ડીવાયએસપીશ્રી ડૉ. કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ ઈન્સપેક્ટર ડી.એન. સાધુ અને તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન સર્વેલન્સ પી.એસ.આઈ. વી.બી. મેઘનાથી અને સ્ટાફના લોક રક્ષક દીપકકુમાર પુંજાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ કાળા કલરની મોટરસાયકલ પર પીઠ પાછળ સ્કૂલબેગ ભરાવી સેબલીયા ગામ નયાવાસ ગોરકુંડા (રાજસ્થાન) તરફથી દેલવાડા ગામ તરફ ગાંજો લઈને આવી રહ્યો છે.
દેલવાડા આઉટ પોસ્ટ આગળથી આરોપી ઝડપાયો
બાતમીના આધારે પોલીસે દેલવાડા આઉટ પોસ્ટ આગળ નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. શંકાસ્પદ મોટરસાયકલ આવતાં જ તેને રોકીને તપાસ કરતા સ્કૂલબેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો ૨ કિલો ૫૩૯ ગ્રામ સૂકો ગાંજો (કિંમત રૂ. ૧,૨૬,૯૫૦) મળી આવ્યો હતો.
પકડાયેલ આરોપી અને જપ્ત કરાયેલ મુદ્દામાલ:
-
પકડાયેલ આરોપી: પ્રવીણકુમાર ગગાભાઈ બુકોલિયા (રહે. ફોરાણા, તા. દિયોદર, જી. બનાસકાંઠા / હાલ રહે. વાવ થરાદ)
-
માદક પદાર્થ: ૨.૫૩૯ કિલોગ્રામ સૂકો ગાંજો (કિંમત રૂ. ૧,૨૬,૯૫૦)
-
અન્ય મુદ્દામાલ: રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો ૧ મોબાઈલ ફોન તથા રૂ. ૨૫,૦૦૦ની કિંમતની ટીવીએસ રાઈડર મોટરસાયકલ (નં. GJ-08-DE-9432)
-
કુલ મુદ્દામાલ: રૂ. ૧,૬૧,૯૫૦
પોશીના પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રશંસનીય કામગીરી પી.આઈ. ડી.એન. સાધુ, પી.એસ.આઈ. વી.બી. મેઘનાથી, એ.એસ.આઈ. અમિતકુમાર, અ.પો.કો. મુકેશકુમાર, તથા લોક રક્ષક દીપકકુમાર અને દશરથભાઈ દ્વારા કરવામાં આવી હતી.




