ખેડબ્રહ્મા

ડીજેના મુદ્દે લગ્ન પ્રસંગમાં બબાલ: પથ્થરમારામાં 15થી વધુ ઈજાગ્રસ્ત, દુલ્હન વિના જ જાન પરત ફરી

પોશીના, પ્રતિનિધિ ચીમન ગમાર

પોશીના તાલુકા નજીક આવેલા ચંદ્રણા ગામના ઘવા ફળીયા જુડામાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વગાડવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો હતો. રાજસ્થાનથી આવેલી જાનમાં ડીજે વગાડવામાં આવતાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો અને ભારે પથ્થરમારો થયો હતો.

ઘટનામાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થરમારાના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પોશીના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પથ્થરમારા અને ભારે હોબાળા વચ્ચે લગ્ન મંડપમાં સન્નાટો છવાઈ ગયો હતો. જાનૈયાઓમાં ભયનો માહોલ સર્જાતા તેઓ દુલ્હનને વિદાય કરાવ્યા વગર જ જાન લઈને પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પથ્થરમારામાં સંડોવાયેલા તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!