ખેડબ્રહ્મા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન

ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તાર અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં ₹891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રીના અધ્યક્ષસ્થાને મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમણે વર્ચુઅલ માધ્યમથી ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર નવી ટ્રેન સેવાનું ઈ-પ્રસ્થાન કરાવી ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો.

આ ઐતિહાસિક અવસર નિમિત્તે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા-હિંમતનગર-અમદાવાદ (અસારવા) વચ્ચેની નવી ટ્રેન સેવાને આવકારવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. આ નવી રેલવે સેવા શરૂ થવાથી ખેડબ્રહ્મા અને આસપાસના અંતરિયાળ વિસ્તારોના હજારો મુસાફરોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે.

કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ લોકાર્પણ માત્ર રેલવે ટ્રેકનું નિર્માણ નથી, પરંતુ આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલનારી ઘટના છે. બ્રોડગેજ લાઇન કાર્યરત થવાથી હવે અમદાવાદ સુધીની મુસાફરી અત્યંત સુખદ, સુરક્ષિત અને ઝડપી બનશે. આ સુવિધાનો સીધો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને યાત્રાધામ અંબાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને મળશે.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા-હિંમતનગર લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ આદિજાતિ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. નવી ટ્રેન સેવા શરૂ થવાથી સ્થાનિક ખેડૂતો પોતાની પેદાશો અને વેપારીઓ પોતાનો માલસામાન અમદાવાદ જેવા મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે, જેનાથી પ્રાદેશિક અર્થતંત્રને નવી મજબૂતી મળશે. ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ પણ આ પ્રોજેક્ટને ખેડબ્રહ્મા વિસ્તારની પ્રગતિની જીવાદોરી ગણાવી હતી.ખેડબ્રહ્મા અને હિંમતનગર વચ્ચેની રેલ લાઇન શરુ થતા  સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા. આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, રેલવે એડીઆઈ શ્રી મંજુ મીના, પૂર્વ સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!