હિમતનગર

“શિક્ષકોના પ્રશ્ને આશ્વાસન, પુસ્તકોના વિલંબ મુદ્દે મંત્રીનો બચાવ”

હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ અને શિક્ષકોને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા મંત્રીએ સરકાર શિક્ષકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હોવાનું જણાવ્યું હતું.

1 એપ્રિલ 2005 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે સમાધાન થયા છતાં તેનો અમલ ન થતો હોવા અને નિવૃત્ત શિક્ષકોને પેન્શન ન મળતી હોવાના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષકો વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને સરકાર શિક્ષકોના હિત માટે સતત પ્રયત્નશીલ છે. શિક્ષકોને પરિવાર સમાન ગણાવતા તેમણે શિક્ષકોની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે પૂછવામાં આવતા મંત્રીએ જણાવ્યું હતું કે 11 હજાર નિયમિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક યોજના હેઠળ પણ ભરતી ચાલુ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં શિક્ષકોની ઘટ દૂર કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં શાળાઓ શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કેટલાક વિષયોના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી ન પહોંચ્યાના મુદ્દે મંત્રીએ જણાવ્યું હતું કે મોટાભાગની શાળાઓમાં પુસ્તકોનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે અને જ્યાં હજુ પુસ્તકો પહોંચ્યા નથી ત્યાં વિતરણ પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં તમામ વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે તેમ તેમણે કહ્યું હતું.

વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે ઓનલાઈન પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. ઉપરાંત ખાનગી પુસ્તક સ્ટોલ ઉપર પણ પુસ્તકો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર સેક્ટર-25ના વીડિયો પ્રકરણ અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ કરાવી અહેવાલ મંગાવવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!