હિંમતનગર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ૨૦ સમિતિઓની રચના વચ્ચે વિવાદ સિનિયર કોર્પોરેટરની નારાજગી ખુલ્લેઆમ સામે આવી, આરટીઆઈથી “પોલ ખોલવાની” ચેતવણી

હિંમતનગર નગરપાલિકાની સોમવારે ટાઉન હોલ ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભા દરમિયાન કારોબારી સમિતિ સહિત કુલ ૨૦ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સમિતિઓની રચના બાદ એક સિનિયર કોર્પોરેટરે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા સામાન્ય સભામાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. નારાજ સભ્યએ પાલિકામાં ચાલતા કાર્યો અંગે આરટીઆઈ હેઠળ માહિતી મેળવી “પોલ ખોલવાની” જાહેર ચેતવણી આપતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરૂણાબેન કડીયા તથા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં સોમવારે સાંજે ચાર વાગ્યે ટાઉન હોલ ખાતે પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠક દરમિયાન કારોબારી સમિતિ સહિત બાંધકામ, સ્વચ્છ ભારત, નગર આયોજન, પાણીપુરવઠા, આરોગ્ય, મિકેનિકલ, દિવાબત્તી, ગટર યોજના, બગીચા, સ્ટાફ, સીટીબસ, ગુમાસ્તાધારા, ટાઉનહોલ, લીગલ, વસુલાત, સમાજકલ્યાણ, લાયબ્રેરી, દબાણ અને ફાયર સમિતિની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
સમિતિઓની જાહેરાત બાદ સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે ઉભા થઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ સામાન્ય સભામાંથી બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન તેમણે પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સામે વિવિધ મુદ્દાઓને લઈને આક્ષેપો પણ કર્યા હતા. તેમણે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હિંમતનગર નગરપાલિકામાં શું ચાલી રહ્યું છે તેની વિગતો જાહેર કરવા માટે જરૂર પડશે તો હું આરટીઆઈ હેઠળ માહિતી મેળવી સત્ય બહાર લાવીશ.”
પ્રથમ સામાન્ય સભામાં જ સમિતિઓની રચનાને લઈને વિવાદ સર્જાતા હવે સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ આ નારાજગી કેવી રીતે અને ક્યારે દૂર કરે છે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
કારોબારી સમિતિમાં સમાવાયેલા સભ્યો :
– રાહુલ બીપીનભાઈ પટેલ
– ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ
– ગોપાલ કેશુભાઈ પ્રજાપતિ
– હિતેશ જયંતિલાલ પટેલ
– નિતીન દિનેશભાઈ પરમાર
– નટવર ડાહ્યાભાઈ ઓઝા
– પ્રિયંકાબેન છગનભાઈ સડાત
– વૈદેહી અંકુરભાઈ સોની
– નિરૂબેન જયેશભાઈ પટેલ
– ભુમિકાબેન જીગ્નેશભાઈ મહેતા
– અલ્કાબેન રાકેશકુમાર બારોટ
– ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ
અન્ય સમિતિઓના ચેરમેન :
બાંધકામ સમિતિ – અમૃતલાલ બાબુલાલ પુરોહિત
સ્વચ્છ ભારત – વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી
નગર આયોજન – ગોપાલ પ્રજાપતિ
પાણીપુરવઠા – નટવર ડાહ્યાભાઈ ઓઝા
આરોગ્ય – રાજુ કરશનભાઈ દેસાઈ
મિકેનિકલ – કલ્પિત હર્ષદરાય દવે
દિવાબત્તી – જયેશ વસંતભાઈ ભાટી
ગટર યોજના – હિતેશ જયંતિલાલ પટેલ
બગીચા – નિરૂબેન જયેશભાઈ પટેલ
સ્ટાફ – અરૂણાબેન ધર્મેન્દ્રભાઈ કડીયા
સીટીબસ – જતીન શંકરભાઈ કહાર
ગુમાસ્તા ધારા – ભુમિકાબેન જીગ્નેશભાઈ મહેતા
ટાઉન હોલ – હંસાબેન પિત્રોડા
લીગલ – શુચિ આર્જવકુમાર શાહ
વસુલાત – નિતીન દિનેશભાઈ પરમાર
સમાજ કલ્યાણ – કુમારભાર્ગવ મનહરભાઈ રાજ
લાયબ્રેરી – ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ
દબાણ – અલ્કાબેન રાકેશકુમાર બારોટ
ફાયર – ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડા




