ટોચના સમાચાર

ધાણધા ફાટક પર રૂ.૧૦૦ કરોડના અત્યાંધુનિક ઓવરબ્રિજ પ્રોજેક્ટને ગતિ ધારાસભ્ય અને અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિક વ્યવસ્થા સહિત કામગીરીની સમીક્ષા કરી

હિંમતનગર-અંબાજી હાઈવે પર મહેતાપુરા નજીક આવેલા ધાણધા ફાટક ખાતે વાહનચાલકો અને રાહદારીઓને લાંબા સમયથી પડી રહેલી હાલાકીનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા અંદાજિત રૂ.૧૦૦ કરોડના અત્યાંધુનિક ઓવરબ્રિજ પ્રોજેક્ટને હવે ગતિ મળી રહી છે. સોમવારે સ્થાનિક ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પ્રોજેક્ટની હાલની સ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થા અને કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી.

હિંમતનગરથી ઈડર જતાં મુખ્ય માર્ગ પર મહેતાપુરા વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ટ્રેન અવરજવર દરમિયાન વારંવાર ફાટક બંધ રહેતાં વાહનચાલકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક લોકોની સતત રજૂઆતો અને જાહેર સુવિધાને ધ્યાનમાં રાખીને હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરતાં સરકાર દ્વારા અંદાજિત રૂ.૧૦૦ કરોડના ખર્ચે અત્યાંધુનિક ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો.

સોમવારે યોજાયેલા સ્થળ નિરીક્ષણ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.ડી. ધ્રુવ, નાયબ કાર્યપાલક ઇજનેર હેમંતભાઈ પરમાર સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રોજેક્ટના નકશા આધારે ટેકનિકલ ચર્ચા કરવામાં આવી હતી તેમજ ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન અંબાજી હાઈવે પર ટ્રાફિક સુચારૂ રીતે ચાલુ રહે તે માટેના વિવિધ વિકલ્પો અને ટ્રાફિક ડાયવર્ઝન આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.અધિકારીઓએ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાઓ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તથા કામગીરી વહેલી તકે શરૂ કરવા માટેની પ્રક્રિયાઓ અંગે માહિતી આપી હતી. ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા તેમજ સામાન્ય જનતાને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત એન.જી. સર્કલથી હાથમતી નદી ઉપર નિર્માણ પામેલા નવા બ્રિજને પણ વહેલી તકે જનતા માટે ખુલ્લો મુકવા બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. શહેર અને આસપાસના વિસ્તારોમાં વધતા ટ્રાફિક ભારને ધ્યાનમાં રાખીને બંને પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!