“ખાનગી શાળાઓનો દબદબો, સરકારી શાળાઓની અવગણના — ગરીબોના ભવિષ્ય સાથે અન્યાય?”

શીતલ ઠાકર,ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં એક ચિંતાજનક વિસંગતિ સામે આવી રહી છે. એક તરફ ખાનગી શાળાઓમાં ખર્ચનો બોજ સતત વધતો જાય છે, જ્યારે બીજી તરફ સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
ખાનગી શાળાઓ આધુનિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને વિવિધ પ્રવૃત્તિઓના નામે પોતાની કાયાપલટ દર્શાવી રહી છે, પરંતુ આ બદલાવનો મુખ્ય હેતુ શિક્ષણ કરતાં વધુ આવક વધારવાનો લાગે છે. દર વર્ષે વધતી ફી, નવી પુસ્તકો અને ફરજિયાત યુનિફોર્મના કારણે સામાન્ય અને ગરીબ વર્ગ માટે ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે
બીજી તરફ, સરકારી શાળાઓની હકીકત પણ વિચારવા જેવી છે. મોટાભાગના અધિકારીઓ અને રાજકારણીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવતા નથી, જે લોકોના વિશ્વાસમાં ઘટાડો થવાનું એક મોટું કારણ છે.
ઉપરાંત, સરકારી શાળાના શિક્ષકોને વારંવાર શૈક્ષણિક કાર્ય સિવાયની ફરજોમાં લગાડવામાં આવે છે — જેમ કે વસ્તી ગણતરી, ચૂંટણી ફરજ, વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી વગેરે. જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડે છે અને વિદ્યાર્થીઓને પૂરતું ધ્યાન મળી શકતું નથી
આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે — ગરીબો શું કરે?
ખાનગી શાળાઓનો ખર્ચ ઉઠાવી શકતા નથી અને સરકારી શાળાઓમાં ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થાય છે. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ એક દૂરનું સપનું બની રહ્યું છે
જરૂરી છે કે સરકાર આ દ્વંદ્વને ગંભીરતાથી સમજે અને બંને ક્ષેત્રમાં સંતુલન લાવે. સરકારી શાળાઓમાં ગુણવત્તા સુધારવી, શિક્ષકોને શિક્ષણ સિવાયની ફરજોમાંથી મુક્ત કરવું અને ખાનગી શાળાઓ પર કડક નિયંત્રણ લાવવું હવે સમયની માંગ બની ગઈ છે
કારણ
“શિક્ષણમાં અસમાનતા વધશે,
તો સમાજમાં અંતર વધુ ઊંડું થશે.”




