હિંમતનગરમાં કમોસમી વરસાદથી તમાકુના પાકને ભારે નુકસાન, માર્કેટ યાર્ડમાં ખરીદી બંધ

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવનના કારણે તમાકુના પાકને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં તમાકુની ખરીદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. ખેડૂતોને હાલ માટે પોતાનો પાક માર્કેટમાં ન લાવવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તેજ પવનના ઝોકા અને વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં આવેલ તમાકુનો પાક ઉડી ગયો હતો તેમજ ભીનો થઈ જતાં તેની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટ યાર્ડ તંત્રએ તમાકુની ખરીદી તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે તેઓ હાલ માટે તમાકુ વેચાણ માટે ન લાવે. હવામાનમાં સુધારો થયા બાદ ખરીદી ફરી શરૂ કરવામાં આવશે.
ખેડૂત અને વેપારીઓના નુકસાનને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.




