સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન સામે ડિરેક્ટર મેદાને: ફોજદારી તપાસ અને પારદર્શક કાર્યવાહીની માંગ સાથે પ્રતિક ઉપવાસ માટે પોલીસ મંજૂરી માંગી

સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન સામે ડિરેક્ટર મેદાને: ફોજદારી તપાસ અને પારદર્શક કાર્યવાહીની માંગ સાથે પ્રતિક ઉપવાસ માટે પોલીસ મંજૂરી માંગી
હિંમતનગર:
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. બેંકના ચેરમેન વિરૂદ્ધ તાજેતરમાં નામોદાર કોર્ટે આપેલા આદેશ બાદ ફોજદારી તપાસના મામલે હવે બેંકના જ એક ડિરેક્ટરે મોરચો માંડ્યો છે. ડિરેક્ટર સતિષ પટેલે શનિવારે પ્રતિક ઉપવાસ પર બેસવાની જાહેરાત કરીને હિંમતનગર ‘બી’ ડિવિઝન/એ-ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ને લેખિત રજૂઆત કરી મંજૂરી માંગતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે.
કોર્ટના હુકમ બાદ નિષ્પક્ષ તપાસની રજૂઆત
બેંકના ડિરેક્ટર સતિષ પટેલે હિંમતનગર પોલીસ સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, કોર્ટના આદેશ મુજબ સંબંધિત બેંકના ચેરમેન સામે ચાલતી કાયદેસરની તપાસ પ્રક્રિયામાં કોઈ પણ જાતની પક્ષપાત વગર નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે. જો તપાસ દરમિયાન બેંકમાં કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ગેરશિસ્ત બહાર આવે, તો બેંક પ્રશાસન અને તંત્રે કાયદાકીય પ્રક્રિયાને અનુસરી જવાબદાર વ્યક્તિ સામે તાત્કાલિક ધોરણે ફોજદારી ફરિયાદ નોંધાવવી જોઈએ.
સભાસદો અને ખેડૂતોનો વિશ્વાસ જાળવી રાખવા માંગ
રજૂઆતમાં વધુમાં ઉમેર્યું હતું કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો સામાન્ય સભાસદો, ખેડૂતો, પશુપાલકો, મજૂરો અને નાના વેપારીઓની પરસેવાની કમાણી આ બેંકમાં થાપણ સ્વરૂપે જમા છે. બેંક પ્રત્યે પ્રજાનો વિશ્વાસ ડગમગે નહીં તે માટે આ સમગ્ર મામલે સંપૂર્ણ પારદર્શક અને સત્યનિષ્ઠ કાર્યવાહી થાય તે અનિવાર્ય છે.
પ્રતિક ઉપવાસથી સહકારી આલમમાં ખળભળાટ
ન્યાયિક અને તટસ્થ તપાસના સમર્થનમાં ડિરેક્ટરે શાંતિપૂર્ણ રીતે શનિવારે પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે, જેના માટે તેમણે પોલીસ તંત્ર પાસે સુરક્ષા અને મંજૂરી આપવાની માંગ કરી છે. બેંકના જ ડિરેક્ટરે ચેરમેન સામે ફોજદારી તપાસ અંગે સીધો મોરચો ખોલતાં સહકારી અને રાજકીય વર્તુળોમાં તીવ્ર ગરમાવો આવી ગયો છે.




