સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગમાં કરોડોના વૃક્ષારોપણ કૌભાંડનો આક્ષેપ, તપાસની માંગ ઉગ્ર
પરિક્ષેત્ર વન અધિકારી સામે લેખિત ફરિયાદ, વર્ષ 2024-25 દરમિયાન આર.કે. પંડ્યાના કાર્યકાળમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગના હિંમતનગર પરિક્ષેત્રમાં વર્ષ 2024-25 દરમિયાન કરવામાં આવેલા વૃક્ષારોપણ અને વિવિધ વનીકરણ કાર્યોમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે નાયબ વન સંરક્ષકને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં સંબંધિત પરિક્ષેત્ર વન અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આર.કે. પંડ્યાના કાર્યકાળ દરમિયાન અનેક સ્થળોએ કાગળ પર હજારો રોપાઓ વાવવામાં આવ્યા હોવાનું દર્શાવાયું છે, પરંતુ વાસ્તવિક સ્થળ તપાસમાં મોટી સંખ્યામાં રોપાઓ જોવા મળતા નથી. કેટલાક વિસ્તારોમાં રોપાઓના બદલે ખાડા, વાડબંધી અને અન્ય કામોના ખર્ચ દર્શાવી સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં મનેપુર, એસ-મોડેલ, ફ્રૂટ વેસ્ટલેન્ડ, હિંમતનગર આરટીઓથી વિજાપુર રોડ સહિતના વિવિધ વિસ્તારોના કામોનો ઉલ્લેખ કરીને હજારો રોપાઓનું વાવેતર કાગળ પર દર્શાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત અનેક સ્થળોએ વાડબંધી, ટ્રેન્ચિંગ અને અન્ય કામગીરીમાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદકર્તાએ માંગ કરી છે કે વર્ષ 2024-25 દરમિયાન મંજૂર થયેલા તમામ વનીકરણ કાર્યોની સ્થળ પર જઈને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ગ્રાન્ટનો ઉપયોગ, વાવેતર, વાડબંધી અને અન્ય કામોની ચકાસણી કરવામાં આવે તેમજ દોષિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.




