સાબરકાંઠા જિલ્લામાં ચાલતા સ્પા સેન્ટરો પાછળ કોણ? ઉઠ્યા ગંભીર સવાલ

હિંમતનગર-ઇડર સહિત અનેક વિસ્તારોમાં ધમધમતા સ્પા સેન્ટરોની તપાસની માંગ
ગેરકાયદે પ્રવૃત્તિઓ અને યુવાનોને ગેરમાર્ગે દોરતા તત્વો સામે કડક કાર્યવાહીની લોકમાગ
અરવલ્લીના મોડાસા શહેરમાં નવ સિવિલ હોસ્પિટલ સામે આવેલા સ્પા સેન્ટર પર જિલ્લા SOG અને AHTU દ્વારા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યા બાદ હવે પડોશી સાબરકાંઠા જિલ્લામાં ચાલતા સ્પા સેન્ટરો સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે હિંમતનગર, ઇડર સહિત અનેક વિસ્તારોમાં ચાલતા કેટલાક સ્પા સેન્ટરોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. યુવાનો અને અન્ય લોકોને પૈસાની જાળમાં ફસાવી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
મોડાસાની ઘટના બાદ હવે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે સાબરકાંઠામાં ચાલતા સ્પા સેન્ટરો ખરેખર સલામત છે કે પછી અહીં પણ મસાજના નામે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે?
જિલ્લામાં ચાલતા સ્પા સેન્ટરોના માલિકો કયા રાજ્ય કે શહેરના છે, તેઓ અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે નહીં તેમજ તેઓ અન્ય કેટલા સ્પા સેન્ટરો ચલાવે છે તેની વિસ્તૃત તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયું છે કે નહીં, તેમની ઓળખ અને રહેઠાણની વિગતો શું છે તેમજ સ્પા સેન્ટરો પાસે માન્ય લાયસન્સ છે કે નહીં તેની પણ સઘન તપાસ જરૂરી બની છે.
મોડાસામાં થયેલી કાર્યવાહીમાં મસાજના નામે ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો ખુલાસો થયા બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં પણ વિશેષ તપાસ અભિયાન ચલાવી તમામ સ્પા સેન્ટરોના લાયસન્સ, CCTV વ્યવસ્થા, સ્ટાફની વિગતો, નાણાકીય વ્યવહાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
સમાજને અંદરથી ખોખલો કરતા આવા દૂષણરૂપ તત્વો સામે જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ યુવાપેઢીને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.




