સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત મહાલક્ષ્મી મંદિરે પ્રગટ્યોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞ અને સન્માન સમારોહ યોજાયો
શાસ્ત્રોક્ત વેદ અને સનાતન પરંપરા મુજબ યોજાયેલી ૧૬ દિવસીય મહાપૂજાની યજ્ઞ સાથે થઈ પૂર્ણાહુતિ

સાધુ-સંતો અને અગ્રણી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સાંજે યોજાયો ભવ્ય કાર્યક્રમ
અમદાવાદના ગૌરવ સમાન સાબરમતી રિવરફ્રન્ટ (કેશવનગર) પર આવેલા ગુજરાતના અલૌકિક મહાલક્ષ્મી મંદિર ખાતે માં મહાલક્ષ્મીના પ્રગટ્યોત્સવ નિમિત્તે ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાલક્ષ્મી મંદિર ગુજરાતનું એકમાત્ર એવું ધાર્મિક સ્થાનક છે જ્યાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વેદ પરંપરા અને સનાતન સંસ્કૃતિના નિયમોનું અક્ષરશઃ પાલન કરીને પૂજન-અર્ચન કરવામાં આવે છે. છેલ્લા ૧૬ દિવસથી ચાલી રહેલા વિશેષ અનુષ્ઠાન અને મહાપૂજાની આજે પવિત્ર મહાયજ્ઞ સાથે ભાવસભર પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે ગુજરાતભરમાંથી પધારેલા નામાંકિત સાધુ-સંતો, ધર્માચાર્યો તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે ૪:૦૦ કલાકે મંદિર પરિસરમાં મહાયજ્ઞની પૂર્ણાહુતિ તથા પધારેલા સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનોનો વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો.
ટ્રસ્ટના પ્રમુખ મુકેશ ઓઝા અને અરુણ ઓઝાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક ગરિમા જળવાઈ રહે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક મહોત્સવને જન-જન સુધી પહોંચાડવા માટે તમામ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારો તથા ફોટોગ્રાફર્સનો ટ્રસ્ટ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




