ગૌવાવ નદીમાં ગેરકાયદે રેતી ખનનના આક્ષેપથી વિવાદ ગરમ
ભૂસ્તરશાસ્ત્રીને રજૂઆત છતાં કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોમાં રોષ, પર્યાવરણને નુકસાનની ચિંતા વચ્ચે તાત્કાલિક તપાસની માંગ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી પસાર થતી ગૌવાવ નદીમાં કથિત ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી વડિયાવીર, ભૂતિયા, દેત્રોલી અને બડોલી ગામોની સીમમાંથી પસાર થતી ગૌવાવ નદીના પટમાં ભારે મશીનરીનો ઉપયોગ કરીને દિવસ-રાત મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજૂઆત સાથે ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી સહિતના પુરાવાઓ મોકલવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ગૌવાવ નદીના પટમાં જેસીબી, હિટાચી અને ડમ્પરો દ્વારા સતત રેતીનું ખનન થઈ રહ્યું છે. ભારે વાહનો દિવસ-રાત અવરજવર કરતા હોવાથી આસપાસના ગામોના માર્ગો પર પણ અસર પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સંબંધિત તંત્રને સમગ્ર હકીકતની જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં ઢીલ દાખવવામાં આવી રહી છે, જેના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લામાં નદીમાંથી રેતીના ખનન અંગે અગાઉ પણ અનેક વખત વિવાદો સર્જાયા છે. ખાસ કરીને ઈડર તાલુકાના ફલાસણ અને ચાંડપ ગામ પાસેથી દરરોજ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો પસાર થતા હોવાના આક્ષેપો વચ્ચે ખાણ અને ખનિજ વિભાગ તેમજ અન્ય સંબંધિત તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.
આ મુદ્દે ભિલોડાના મકબુલ મજારખાન મકરાણીએ લગભગ એક મહિના અગાઉ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં ગૌવાવ નદીમાં રેતી ખનન માટે કોઈ કાયદેસર લીઝ મંજૂર કરવામાં આવી છે કે કેમ તેમજ જો લીઝ મંજૂર હોય તો તેની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે આજદિન સુધી કોઈ લેખિત જવાબ આપવામાં આવ્યો નથી. રજૂઆતકર્તાના જણાવ્યા મુજબ અગાઉ આ જ મુદ્દે પોલીસ અને કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
ગ્રામજનોનું કહેવું છે કે જો સ્થાનિક ગ્રામ પંચાયતો, ખેડૂતો અને અસરગ્રસ્ત રહેવાસીઓની સંમતિ વિના કોઈ લીઝનું રિન્યુઅલ કરવામાં આવ્યું હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને તે તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ ગેરકાયદે ખનન પર રોક લગાવવામાં આવે. લોકોનું માનવું છે કે જાહેર સંપત્તિ ગણાતી નદીમાંથી બેફામ રીતે રેતી કાઢવાથી કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે.
ખેડૂતોમાં પણ આ મુદ્દે ચિંતા વધી રહી છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડ્યો હોવાથી નદીઓમાં પૂરતું પાણી આવ્યું નથી. આવી સ્થિતિમાં સતત રેતીનું ખનન થવાથી નદીનું તળ વધુ ઊંડું બનશે, જેના કારણે આસપાસના કૂવાઓ અને બોરવેલના પાણીના સ્તર પર ગંભીર અસર થઈ શકે છે. ભૂગર્ભ જળસ્તર ઘટવાની ભીતિ સાથે ભવિષ્યમાં ખેતી માટે પાણીની ઉપલબ્ધિ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે.
પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે નદીપટમાંથી બેફામ રેતી ઉપાડવાથી જળસંચય ક્ષમતા ઘટે છે, નદીના કુદરતી પ્રવાહમાં ફેરફાર થાય છે અને જૈવ વૈવિધ્યને પણ નુકસાન પહોંચે છે. તેથી ગૌવાવ નદી સહિત જિલ્લાના તમામ નદીપટમાં ચાલી રહેલા રેતી ખનનની તાત્કાલિક તપાસ કરી જો ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં અસરકારક કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે લોકઆંદોલનનો માર્ગ પણ અપનાવી શકે છે.



