સાબરકાંઠા

સાબરકાંઠામાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ, ચૂંટણી મેદાન ગરમાયું; કુલ ૮૭૩ ઉમેદવારી પત્રો દાખલ

આઠ તાલુકા પંચાયતોની ૧૭૦ બેઠકો માટે ૭૦૮ ઉમેદવારોએ ૭૧૩ ઉમેદવારી પત્રો ભર્યા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૫૭ ઉમેદવારોએ ૧૬૦ ફોર્મ ભર્યા

ત્રણ નગરપાલિકાની ૯૬ બેઠકો માટે ૨૬૫ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઇને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે. તા.૨૬ એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે જિલ્લાભરમાં કુલ ૮૭૩ ઉમેદવારી પત્રો દાખલ થતાં સ્પર્ધા કડક બનવાના સંકેતો મળ્યા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૩ એપ્રિલે હાથ ધરાશે જ્યારે તા.૧૫ એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચવાની મુદત રહેશે.

જિલ્લા ચૂંટણી શાખાના સૂત્રો મુજબ તાલુકા પંચાયતોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે ૯૨ ઉમેદવારોએ ૯૪ ફોર્મ ભર્યા છે. ખેડબ્રહ્માની ૨૦ બેઠકો માટે ૯૮ ઉમેદવારોએ ૯૮, વિજયનગરની ૧૮ બેઠકો માટે ૯૦ ઉમેદવારોએ ૯૦, ઇડરની ૨૮ બેઠકો માટે ૧૦૨ ઉમેદવારોએ ૧૦૨ ફોર્મ ભર્યા છે. તલોદની ૨૦ બેઠકો માટે ૬૭ ઉમેદવારોએ ૬૭, પ્રાંતિજની ૨૦ બેઠકો માટે ૬૫ ઉમેદવારોએ ૬૫, વડાલીની ૧૬ બેઠકો માટે ૬૩ ઉમેદવારોએ ૬૫ અને પોશીનાની ૨૦ બેઠકો માટે ૧૩૧ ઉમેદવારોએ ૧૩૨ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે.

છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવવા ભારે ભીડ જોવા મળી હતી. હિંમતનગરમાં ૬૯, ખેડબ્રહ્મામાં ૦૯, વિજયનગરમાં ૬૮, ઇડરમાં ૫૭, તલોદમાં ૪૧, પ્રાંતિજમાં ૩૯, વડાલીમાં ૧૨ અને પોશીનામાં ૨૯ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે કુલ ૧૫૭ ઉમેદવારોએ ૧૬૦ ફોર્મ રજૂ કર્યા છે.

સમયમર્યાદા મુદ્દે વિવાદ સર્જાયો
ઉમેદવારી પત્રો સ્વીકારવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ હિંમતનગર પ્રાંત કચેરીમાં કેટલાક ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. થોડોક સમય તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને બાદમાં કોંગ્રેસના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!