સાબરકાંઠા-અરવલ્લીમાં પશુચોરી કરતી ગેંગ ઝડપી, એલસીબીએ ૯ ગુનાઓ ઉકેલ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ગ્રામ્ય વિસ્તારોમાં પશુચોરીની ઘટનાઓ વધતા એલસીબી પોલીસ હરકતમાં આવી હતી. બાતમીના આધારે કામગીરી હાથ ધરી તલોદ નજીકથી પશુચોરી કરતી ગેંગના છ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી વાહન સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે અને અત્યાર સુધીના ૯ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે.
જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયા, પીએસઆઈ આર.કે. જોષી અને સ્ટાફને મળેલી બાતમી મુજબ આ ગેંગ રાત્રિના સમયે પ્રાંતિજ, તલોદ તેમજ અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો કે ઘર આગળ બાંધેલા પશુઓની ચોરી કરતી હતી.
બાતમીને આધારે પોલીસે તલોદ પોલીસ સ્ટેશનની હદમાં નવા ગામ સ્ટેન્ડ નજીક પુલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન જીજે-૧૩-એબી-૩૬૮૩ નંબરનું શંકાસ્પદ વાહન પસાર થતાં તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. વાહનમાં બેઠેલા છ શખ્સોની પુછપરછ કરતા તેઓ પશુચોરી કરવા નીકળ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૧૦ હજારથી વધુના ત્રણ મોબાઈલ, એક છરો, રસ્સી તેમજ અંદાજે રૂ.૫ લાખ કિંમતનું વાહન કબ્જે કર્યું છે. તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલી પશુચોરીની ઘટનાઓમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




