નો રીપીટનો દાવો, પણ પરિવારવાદની છાપ! ભાજપે જિલ્લા પંચાયત ઉમેદવારો જાહેર કર્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં “નો રીપીટ થિયરી”નો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં આઠથી વધુ ઉમેદવારોને ફરી તક અપાતા ચર્ચા તેજ બની છે. સત્તા પર આવ્યા બાદ વહીવટી કુશળતાને આધારે પસંદગી કરાઈ હોવાનું પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળોએ પરિવારવાદ અને સગાવાદને પણ મહત્વ આપવામાં આવ્યું હોવાની સંભાવના નકારી શકાય તેવી નથી.
વિસ્તૃત વિગતો મુજબ, હિંમતનગર જિલ્લા પંચાયતની મહિલા પ્રમુખના પતિ દેવને તલોદ તાલુકાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તે જ રીતે પ્રાંતિજ તાલુકાની એક બેઠક પર પૂર્વ સભ્યની પત્નીને ઉમેદવાર બનાવવામાં આવી છે. બીજી તરફ, અગાઉ ભાજપના નેજા હેઠળ ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતમાં હોદ્દો સંભાળી ચૂકેલા એક સભ્યને ફરીથી તક આપવામાં આવી છે.
જિલ્લાના અનેક વિસ્તારોમાં ભાજપે જાહેર કરેલી યાદીમાં આયાતી ઉમેદવારો અને પક્ષના કાર્યક્રમોમાં અત્યાર સુધી ખાસ સક્રિય ન રહેલા નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ અને ટક્કરભરી બનવાની શક્યતા છે.
હિંમતનગર નગરપાલિકામાં અગાઉ ચૂંટાયેલા કેટલાક પદાધિકારીઓના વોર્ડમાં ફેરફાર થતા, જુના સભ્યોને નવા વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસે હજુ સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, પરંતુ અંદરખાને ચાલી રહેલી ખેંચતાણ બહાર આવે તો રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.




