સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં રાજકીય તાપમાન તેજ ભાજપની યાદી બાદ ખુશી-નારાજગી વચ્ચે ઉમેદવારીનો જોરદાર ધમધમાટ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ઉકળાટ પર પહોંચ્યો છે. જિલ્લા પંચાયત, ત્રણ નગરપાલિકા અને આઠ તાલુકા પંચાયત માટે ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી. શુક્રવારે મોડી રાત્રે યાદી જાહેર થતા જ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો હતો. ટીકીટ મળતા કાર્યકરોમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો, જ્યારે બીજી તરફ કેટલાક કાર્યકરોમાં નિર્ણયોને લઈને અસંતોષ અને નારાજગી પણ સ્પષ્ટપણે સામે આવી હતી.
શનિવારે હિંમતનગર સહિત તાલુકા મથકો પર ભાજપના સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોની આગેવાની હેઠળ ભવ્ય શક્તિપ્રદર્શન સાથે કેનાલ ફ્રન્ટથી રેલી યોજાઈ હતી. સૂત્રોચ્ચાર અને ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી ઉમેદવારોએ એકસાથે ઉમેદવારી પત્રો ભરી રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર થતા જ સુવ્યવસ્થિત આયોજન સાથે મેન્ડેટ તાલુકાવાર પહોંચાડવાની પૂર્વ તૈયારીઓ કરી દીધી હતી. જેના કારણે શનિવારે બપોરે ત્રણ વાગ્યા પહેલા જ તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી રાજકીય દોડમાં મજબૂત એન્ટ્રી કરી હતી. હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકામાં પણ સમયસર અને વ્યવસ્થિત રીતે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થવાથી ભાજપની સંગઠન શક્તિ સ્પષ્ટ જોવા મળી હતી.
બીજી તરફ કોંગ્રેસમાં ગોઠવણનો અભાવ સ્પષ્ટ દેખાયો હતો. અંતિમ ક્ષણ સુધી સત્તાવાર યાદી જાહેર ન કરતા ટેલિફોનિક સૂચનાઓના આધારે ઉમેદવારોને મેન્ડેટ આપી ઉમેદવારી કરાવવામાં આવી હતી. અનેક બેઠકો પર મજબૂત અને લોકપ્રિય ઉમેદવારોના અભાવે કેટલાકને મજબૂરીમાં મેદાનમાં ઉતારવા પડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
કોંગ્રેસમાં ટીકીટ મુદ્દે અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. શરૂઆતમાં આશા અપાયેલા કાર્યકરોને અંતિમ ઘડીએ બદલાતા નિર્ણયોથી નારાજગી ફાટી નીકળી હતી અને કેટલાક કાર્યકરોએ સંગઠન સામે અસંતોષ વ્યક્ત કરતાં રાજીનામા પાઠવ્યા હતા.
હવે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માન્ય-અમાન્ય ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સમગ્ર સાબરકાંઠામાં ચૂંટણીનો અસલી જંગ શરૂ થશે. ત્યારબાદ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ભર ઉનાળામાં પ્રચારના મેદાનમાં ઝૂકી જશે અને ગામડાંથી લઈને શહેરો સુધી ચૂંટણી કાર્યાલયો તથા જાહેરસભાઓ રાજકીય ગરમાવો વધારશે.




