સાબરકાંઠા

“સાબરકાંઠામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ”

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ બની ગયું છે. જિલ્લા પંચાયતની તમામ ૩૪ બેઠકો પર ચૂંટણી જંગ જામશે, કારણ કે એકપણ બેઠક બિનહરીફ નથી. તાલુકા પંચાયતની ૧૭૦ બેઠકોમાંથી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે હિંમતનગર નગરપાલિકાની ૪૪માંથી ૩ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઈડર અને વડાલી નગરપાલિકાની તમામ બેઠકો પર મતદાન યોજાશે.

સાબરકાંઠા જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે ૧૦૭ ઉમેદવારો મેદાનમાં છે અને એકપણ બેઠક બિનહરીફ ન રહેતા તમામ બેઠકો પર મતદાન યોજાશે, જેના કારણે કડક રાજકીય ટક્કર નિશ્ચિત બની છે.

તાલુકા પંચાયતની વાત કરીએ તો જિલ્લામાં આવેલા ૦૮ તાલુકાઓની કુલ ૧૭૦ બેઠકોમાંથી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નિકોડા બેઠક પરથી ભાજપના નિર્મલ પટેલ, વક્તાપુર બેઠક પરથી ભાજપની ઉષાબેન પટેલ અને પીલુદ્રા બેઠક પરથી ભાજપની તૃપ્તિબેન પટેલ બિનહરીફ જાહેર થયા છે.

નગરપાલિકાની સ્થિતિ પણ રસપ્રદ બની છે. હિંમતનગર નગરપાલિકાની ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકોમાંથી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર ૦૩ માં કોંગ્રેસના રણછોડભાઈ પરમાર અને વોર્ડ નંબર ૦૯ માં ભાજપના વાચાબેન જોશી તથા શિલ્પાબેન પટેલ બિનહરીફ જાહેર થયા છે.

બીજી તરફ ઈડર નગરપાલિકાની ૦૭ વોર્ડની ૨૮ બેઠકો તથા વડાલી નગરપાલિકાની ૦૬ વોર્ડની ૨૪ બેઠકો માટે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ રીતે જિલ્લામાં કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થતાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જ્યારે બાકી બેઠકો પર જબરદસ્ત ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે. હવે તમામની નજર મતદાન અને પરિણામો પર ટકેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!