સરકારી માધ્યમિક શાળા,દંત્રાલ ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન’ અંતર્ગત પ્રભાત ફેરી અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વમાં સૌ સહભાગી બને તેવા ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાની સરકારી માધ્યમિક શાળા, દંત્રાલ ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન’ (SVEEP) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન એ આપણો અધિકાર’ કાર્યક્રમના પ્રારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ “ચૂંટણી કાર્ડ સાથે રાખીએ, સાચું મતદાન કરીએ”, “જાગૃત નાગરિકની એક જ ઓળખ, અચૂક મતદાન” જેવા સૂત્રોચ્ચાર કરીને ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પ્રભાત ફેરી બાદ શાળામાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતીય બંધારણ, ચૂંટણી પ્રક્રિયા, ઈવીએમ (EVM) મશીનનો ઉપયોગ અને લોકશાહીમાં મતદારની ભૂમિકા જેવા વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની બૌદ્ધિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.





