સાબરકાંઠામાં ડ્રોનથી ખુલાસો: બડોલમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર પર્દાફાશ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ખેડુતો દ્વારા નશાયુક્ત ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાના સંકેતો વચ્ચે શુક્રવારે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ડ્રોનની મદદથી તપાસ કરતા ગાંજાનું ગેરકાયદે વાવેતર બહાર આવ્યું હતું.
એસઓજી દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં અંદાજે રૂ.૧૦.૦૯ લાખની કિંમતનો ૨૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો તથા કુલ ૪૪ ગાંજાના છોડ કબ્જે લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ કે.યુ. ચૌધરી તથા આર.એ. ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમી મુજબ બડોલ ગામની સીમમાં સોમાજી પૂંજાજી મકવાણા પોતાના ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરતા હોવાની માહિતી મળતા ટીમે ડ્રોન દ્વારા સર્વેલન્સ કર્યું હતું.
ડ્રોન સર્વે દરમિયાન શંકાસ્પદ પાક જોવા મળતા એસઓજીની ટીમે સ્થળ પર જઈ કાર્યવાહી કરી હતી, જ્યાંથી ૪૪ ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન અંદાજે ૨૦.૧૯૦ કિલોગ્રામ નોંધાયું હતું.
પોલીસે આ કેસમાં બડોલ ગામના જતીન સોમાજી મકવાણાની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપી સોમાજી પૂંજાજી મકવાણાની શોધખોળ માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

