હિંમતનગરમાં નશાના જાળ પર એસઓજીનો કડક ઘા
સહકારી જીન પાસે એમડી, ચરસ અને અફીણ સાથે ચાર આરોપી ઝડપાયા

શીતલ ઠાકર,ગાંધીનગર
ઇકો કાર, મોબાઇલ અને ઇલેક્ટ્રિક વજન કાંટા સાથે નશીલા પદાર્થો જપ્ત; ભાડાના મકાનોમાં છુપાયેલા નેટવર્કની તપાસ જરૂરી
યુવાધનને વ્યસનના ગાળામાં ધકેલતા નશીલા પદાર્થોના વેપાર સામે સાબરકાંઠા જિલ્લા એસઓજીની ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં મોડી રાત્રે નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાતમી મુજબ હિંમતનગરથી શામળાજી તરફ જતી એક ઇકો કારને રોકી તપાસ કરતા તેમાં સવાર ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એમડી (મેફેડ્રોન) 55 ગ્રામ, ચરસ 39 ગ્રામ અને અફીણ 113 ગ્રામ મળી આવ્યું હતું. પોલીસે ઇકો કાર, મોબાઇલ ફોન તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો પણ કબ્જે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં રતનલાલ કિશનલાલ સુથાર, નારણલાલ બદ્રીનાથ જાટ, મુરલીધરભાઈ જલંધરભાઈ પટેલ અને નરપતસિંહ ભવનસિંહ રાજપુરોહિતનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરના લક્ષ્મીપુરા કંપા, સહકારી જીન અને ગિરધરનગર જેવા વિસ્તારોમાં મકાનમાલિકો દ્વારા કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ કરીને ભાડે મકાન આપવામાં આવતાં હોવાની ચર્ચા છે. આવા વિસ્તારોમાં રહેતા ભાડૂતોની કડક ચકાસણી કરવામાં આવે તો નશીલા પદાર્થોના નેટવર્કનો પણ પર્દાફાશ થઈ શકે અને આવા ગુનાહિત તત્વોને કાબૂમાં લાવી શકાય.




