Uncategorizedહિમતનગર

હિંમતનગરની દીકરી ગરિમા નામ્બીયારનો કમાલ

સિવિલ જજ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ, પ્રથમ પ્રયત્નમાં મેળવી મોટી સફળતા

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ગૌરવ વધારતી એક પ્રેરણાદાયક સફળતાની ખબર સામે આવી છે. હિંમતનગરની દીકરી ગરિમા નામ્બીયારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજ કેડરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતી માત્ર ૨૫ વર્ષની ગરિમાએ પ્રથમ જ પ્રયત્નમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બાળપણથી જ જજ બનવાનું સપનું ધરાવતી ગરિમાએ મહેનત અને સંકલ્પના બળ પર આ સફળતા મેળવી છે.

ગરિમાએ એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં લગભગ પાંચ મહિના સુધી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તેમણે સિવિલ જજની પરીક્ષા આપી અને પ્રથમ જ પ્રયત્નમાં સફળતા મેળવી પરિવાર તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું નામ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે.

ગરિમાની માતા અગાઉ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ પરિવારની જવાબદારી સંભાળવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી. ગરિમાના પરિવારમાં તેમની માતા અને નાનો ભાઈ છે, જે હાલ અભ્યાસ કરી રહ્યો છે. તેમના પિતા એડવોકેટ હતા અને નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા હતા. પિતાનું એક મોટું સપનું હતું કે તેમની દીકરી જજ બને.

ગરિમાએ પોતાની મહેનત અને લગનથી પિતાનું આ સપનું સાકાર કરી બતાવ્યું છે. ગરિમાની આ સિદ્ધિથી હિંમતનગર શહેર, મહેતાપુરા વિસ્તાર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખુશી અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની આ સફળતા અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!