હિમતનગર

ફિલ્મી સ્ટાઈલમાં કાર રેલ્વે ટ્રેક પર ! તલાટીની હરકતે ઉભા કર્યા ગંભીર સવાલો

હિંમતનગરના ધાણધા રેલ્વે ફાટક નજીક મંગળવારે રાત્રે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકાની ખેડવા ગ્રુપ ગ્રામ પંચાયત સહિત અન્ય ચાર ગ્રામ પંચાયતોમાં તલાટી તરીકે ફરજ બજાવતા હેમેન્દ્રસિંહ રહેવરે પોતાની કાર સીધી રેલ્વે ટ્રેક પર ચડાવી દેતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ટ્રેકના સ્લીપર વચ્ચે કાર ફસાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકો સમયસર દોડી આવ્યા નહીં હોત તો કોઈપણ ક્ષણે ગંભીર જાનહાની સર્જાઈ શકતી હતી.

પ્રાથમિક માહિતી મુજબ કાર નં. જીજે.૦૯બીએચ.૮૯૪૪માં તલાટી સહિત અન્ય બે શખ્સો સવાર હતા. ધાણધા ફાટક પાસેથી પસાર થતાં ગમે તે કારણસર કાર સીધી રેલ્વે ટ્રેક પર હંકારવામાં આવી હતી. સામાન્ય રીતે રેલ્વે ટ્રેક પર વાહન લઈ જવું અશક્ય સમાન માનવામાં આવે છે ત્યારે હવે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આખરે કાર ટ્રેક પર ચડાવી કેવી રીતે ? શું સુરક્ષા વ્યવસ્થામાં ખામી હતી ? ટ્રેક સુધી પહોંચવા માટે કયો રસ્તો ઉપયોગમાં લેવાયો ? આવા પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે.

કાર ટ્રેકના સ્લીપર વચ્ચે ફસાઈ જતાં અચાનક બંધ પડી ગઈ હતી. ત્યારબાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કારને ટ્રેક પરથી હટાવવામાં આવી હતી. સ્થાનિકોની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારબાદ ઘટનાની જાણ રેલ્વે પોલીસ (RPF)ને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી કાર કબ્જે લીધી હતી અને તલાટી સહિત અન્ય બે શખ્સો વિરુદ્ધ રેલ્વે એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓને રાતોરાત જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, જોકે કાર હજુ સુધી પોલીસ કબ્જામાં હોવાનું જાણવા મળ્યું છે. હવે સમગ્ર મામલે રેલ્વે કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે.

આ સમગ્ર ઘટનાએ અનેક સ્તરે જવાબદારી સામે ઉભી કરી છે.
* સરકારી કર્મચારી તરીકે તલાટીની બેદરકારી
* જાહેર સુરક્ષાને જોખમમાં મુકવાનો ગંભીર પ્રયાસ
* રેલ્વે ટ્રેક આસપાસની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો
* સમયસર પેટ્રોલિંગ અને ચેકિંગ અંગે સવાલો
* ટ્રેક સુધી વાહન પહોંચે તેવી સ્થિતિ કેમ સર્જાઈ ?

રેલ્વે ટ્રેક પર કાર ચડાવવાનો બનાવ માત્ર કાયદાનો ભંગ નથી પરંતુ હજારો મુસાફરોના જીવ સાથેનો ગંભીર ખેલ માનવામાં આવી રહ્યો છે. જો તે સમયે ટ્રેન પસાર થતી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. હવે સમગ્ર મામલે કડક અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!