હિંમતનગર GMERS મેડિકલ કોલેજમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આજે ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અભિયાનના પ્રારંભ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ના રાજ્યવ્યાપી પ્રારંભનું લાઇવ પ્રસારણ પણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, દર્દીઓ અને તેમના સગાઓમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારો થાય તે હેતુથી આગામી એક સપ્તાહ દરમિયાન વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો અને વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.




