તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મુધાસણા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર તલોદ પોલીસનો દરોડો
રૂ. 5.30 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો – ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદે દારૂના ધંધા સામે પોલીસે શરૂ કરેલા અભિયાન હેઠળ તલોદ પોલીસને મોટી સફળતા મળી છે. મુધાસણા ગામની સીમમાં નદીના કોતરમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી પોલીસે અંદાજે રૂ. 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાર્યવાહી દરમિયાન એક આરોપીને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં ગેરકાયદે દારૂના ઉત્પાદન અને વેચાણને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે મુધાસણા ગામની સીમમાં ખારી નદીના કોતરમાં દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો યોજ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 15 હજાર લિટર દેશી દારૂ બનાવવાનો વોશ, 525 લિટર તૈયાર દેશી દારૂ, દારૂ બનાવવાના સાધનો, એલ્યુમિનિયમના વાસણો, પાણીનું પંપ મશીન, લાકડું, એક મોબાઇલ ફોન તેમજ GJ-09-EB-1867 નંબરની બજરાજ પલ્સર મોટરસાઇકલ સહિત કુલ રૂ. 5,30,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પર ચાલતી ભઠ્ઠીનો પણ નાશ કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન **અનિલસિંહ પ્રહલાદસિંહ સોલંકી (રહે. દોલતબાદ, જુનો વાસ, તા. તલોદ)**ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે જયદીપસિંહ રણુસિંહ ઝાલા, સંજયસિંહ ઉર્ફે જીગો રણુસિંહ ઝાલા (બંને રહે. માવાની મુવાડી, તા. પ્રાંતિજ) તેમજ આકાશભાઈ રણજીતભાઈ વાઘરી (રહે. તલોદ માર્કેટયાર્ડ પાછળ) ફરાર થઈ ગયા હતા. તેમની સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. રાયજાદા તેમજ પોલીસ સ્ટાફના જવાનોએ સંયુક્ત રીતે સફળ બનાવી હતી. તલોદ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.




