તલોદના પશુક્રૂરતા કેસનો ભેદ ઉકેલાયો: સાબરકાંઠા SOGએ એક આરોપીને ઝડપી પાડ્યો, બે ફરાર

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને પશુક્રૂરતા સંબંધિત ગુનામાં મહત્વની સફળતા મળી છે. તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુક્રૂરતા અને પશુચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી SOGએ એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસને મળેલી બાતમીના આધારે SOGની ટીમ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુક્રૂરતા કેસનો આરોપી હિંમતનગર બસ સ્ટેશન નજીક વાહનની રાહ જોઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાગરિતો સાથે મળીને મહિન્દ્રા પીકઅપ વાહન અને મોટરસાયકલનો ઉપયોગ કરીને રોઝડ ગામની સીમમાંથી બે ગાયો અને ત્રણ વાછરડાની ચોરી કરી હતી. પશુઓને લઈને જતા સમયે પસુંરી ગામની સીમમાં રસ્તા પર આવેલા બમ્પના કારણે પીકઅપનું એક્સલ અને ટાયર અલગ થઈ જતા વાહન રસ્તામાં જ છોડીને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસે મોડાસા તાલુકાના રાણાસૈયદ વિસ્તારના રહેવાસી પાલેખાન રૂસ્તમખાન પઠાણ (ઉ.વ. 41) ની અટકાયત કરી છે. જ્યારે આરીફ ખ્યાલી મુલતાની અને સરફરાજ મુલતાની નામના બે આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે.
આ કેસમાં તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રાણીઓની સંભાળ અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ મારામારી, ધમકી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા, PSI કે.યુ. ચૌધરી, PSI પી.એમ. ઝાલા સહિત SOGની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી. SOGની આ સફળ કામગીરીથી લાંબા સમયથી અનડિટેક્ટ રહેલા પશુક્રૂરતા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે.




