મુખ્યમંત્રી સાબરકાંઠામાં તલોદના નવલપુરમાં જિલ્લાના ૭૧ કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી બુધવારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવલપુર ગામે આવી રહયા છે ત્યારે તેઓ પોતાના પ્રવાસ દરમ્યાન નવલપુરથી અંદાજે રૂ.૭૧ કરોડના વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરશે. જેના માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારે તલોદ તાલુકાના નવલપુર ગામે તૈયાર કરાયેલ તળાવનું બ્યુટીફીકેશન સહિત ગામમાં ગંદકી અને પ્રદુષણ ન થાય તે માટે ગામના અગ્રણી અને જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ ભારતીબેન પટેલ,સ્થાનિક ગ્રામ પંચાયત તથા સરકારના વિવિધ વિભાગોની યોજનાઓમાંથી ગામમાં અનેક વિકાસકામો પૂર્ણ થઈ ચુકયા છે ત્યારે મુખ્યમંત્રી તેની મુલાકાત લેશે.
ત્યારબાદ તેઓ નવલપુરથી જિલ્લાના વિવિધ સ્થળે થનારા વિકાસકામોનું ખાતમૂર્હૂત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં વાહન વ્યવહાર વિભાગ માટે અંદાજે રૂ.૧૩૯૦થી વધુનો ત્રણ કામોનું તથા રૂ.પ૧૮ લાખના એક કામનું ખાતમૂર્હૂત કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત સલાલ ખાતે તૈયાર થયેલ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક કે જે રૂ.૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે તેનું લોકાર્પણ કરશે. તેજ પ્રમાણે શિક્ષણ વિભાગ માટે ર૬ પ્રાથમિક શાળાના ઓરડાઓનું લોકાર્પણ કરીને જિલ્લાની પ્રજાને વધુ સુવિધાની ભેટ આપશે.
તેજ પ્રમાણે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.રપ૪ લાખથી વધુના ર૧ કામોનું, સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના ૩૭૪ વિકાસકામોનું ખાતમૂર્હૂત અને ૧૪૬૧ કામોનું લોકાર્પણ કરશે. આદિજાતિ વિકાસ વિભાગના રપ વિકાસકોમા અંતર્ગત બનેલ પેવર બ્લોક, મધ્યાહન ભોજનના શેડ, કમ્યુનિટી હોલ, ગટર લાઈન, વીજળી કરણ સહિતના કામોનું લોકાર્પણ કરશે. તેજ પ્રમાણે આરોગ્ય વિભાગ હસ્તકના તલોદ તાલુકાના ગોરલ ગામે રૂ.રર.રપ લાખના ખર્ચે તૈયાર થયેલ આર્યુવેદીક દવાખાનું તથા પુરાલ ગામના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરશે. આમ મુખ્યમંત્રી બુધવારે સાબરકાંઠાની મુલાકાત દરમ્યાન અંદાજે રૂ.૭૧ કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કરશે.
જીગ્નેશ સોની હિંમતનગર


