ટોચના સમાચાર

ટેટ મુક્તિની માંગ સાથે હિંમતનગરમાં શિક્ષકોનો હૂંકાર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ટાવર ચોક ખાતે ધરણાં કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બેનર હેઠળ ગુરુવારે હિંમતનગરના ટાવર ચોક ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો અને આગેવાનો એકત્રિત થઈ શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ફરજ બજાવી રહેલા શિક્ષકોને ટેટ (શિક્ષક પાત્રતા કસોટી) પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે ધરણાં યોજી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

શિક્ષક સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના અંદાજે 75 હજાર જેટલા તેમજ દેશભરના 25 લાખથી વધુ શિક્ષકો આ મુદ્દાથી પ્રભાવિત થઈ રહ્યા છે. શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે દેશના 600 જેટલા જિલ્લાઓમાં એકસાથે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ધરણાં બાદ શિક્ષકોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ટેટ મુક્તિ સહિતની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી.

શિક્ષક આગેવાનોનું કહેવું છે કે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહેલા શિક્ષકોને ફરીથી ટેટ પરીક્ષા આપવાની ફરજ પાડવી અન્યાયપૂર્ણ છે. સરકાર શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લે અને શિક્ષકોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!